વડોદરા શહેરમાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે છે. પોલીસને રોમિયોની પૂછપરછમાં બાઇક ચોરીના બે ગુના ઉકેલવામાં સફળતા મેળી છે.
અવાવરા રસ્તા પર જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવાની અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી હતી. પાણીગેટ પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ત્રણ દિવસની મહેનત બાદ બાઇક પર આવેલા ત્રણ રોડ રોમિયોને પોલીસે ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પોલીસે છેડતી કરતા રોડ રોમિયો પાસે રીક્રિએશન કરાવ્યુ હતું.
મળેલી માહિતી મુજબ પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલી વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારની યુવતીઓની છેડતી થતી હોવાની ફરિયાદ વારંવાર પોલીસ મથક સુધી પહોંચી હતી. જે બાદ પોલીસે આવા રોમિયોને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસથી સતત મહેનત કરવા છતાંય પોલીસને સફળતા મળી ન હતી.
દરમિયાન આજે પોલીસે વૈકુંઠ પાસેના મેદાનમાં સાદા પહેરવેશમાં શી ટીમની મહિલા પોલીસ અને સાદા ડ્રેસમાં આસપાસની ઝાડીઓમાં પોલીસ જવાનોને તૈનાત કર્યા હતા. સમગ્ર ટ્રેપનું પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.ટી પરમાર મોનીટરીંગ કરી રહ્યા હતા. જે ટ્રેપ દરમિયાન એક બાઇક પર ત્રણ યુવાનો આવ્યા હતા અને સાદા સ્વાંગમાં પસાર થતી મહિલા પોલીસની સીટી મારી છેડતી કરી હતી. જોકે, બાઇક ઉપર આવેલી ત્રિપુટી સીટી મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા પોલીસની ટીમે રોમિયોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં પકડાયેલા રોડ રોમિયો હિતેશ ચંદુભાઈ રાઠોડ (રહે. સાઈનાથ નગર,ગાજરાવાડી), રોહિત રાઠોડિયા (રહે. ગણેશ નગર ડભોઇ રોડ ) અને ભરત દાંતાણી (રહે ગણેશ નગર ડભોઇ રોડ) હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની પૂછપરછમાં ત્રિપુટી દ્વારા છેડતી માટે વાપરવામાં આવેલી બાઇક પણ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત પાણીગેટ અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી બે વાહનો ચોરી કર્યા હોવાની પણ વિગતો બહાર આવી હતી.
પાણીગેટ પોલીસના PI કે.ટી પરમાર તેમજ She ટીમ ના સ્ટાફ દ્વારા સમગ્ર ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ માટે કરવામાં આવેલા રિક્રિએશન પોલીસની ઉત્તમ કામગીરી ના દર્શન થયા હતા. રોડ રોમિયોની છેડતી થી ગભરાવવાની જરૂર નથી પરંતુ તેનો પ્રતિકાર કરવાની હિંમત દરેક મહિલાઓ એ દાખવવી જોઈએ તેવો સંદેશો પણીગેટ પોલીસે આપ્યો છે.