ગરીબ પરિવારનો દીકરો બન્યો જજ, પરિવારમાં પહેલી વાર કોઈને લાગી સરકારી નોકરી

National

ચંદીગઢઃ જીવનમાં જો કંઈક કરવાનો જુસ્સો અને જૂનૂન હોય તો કંઈ પણ હાંસિલ કરવું અશક્ય નથી. અનેકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વ્યક્તિ કંઈક અનોખું કરવા માટે પ્રેરાય છે. પંજાબ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લોના વિદ્યાર્થી કુલદીપ હજારો વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ છે. પંજાબ સિવિલ સર્વિસના જાહેર થયેલાં પરિણામોમાં કુલદીપ સિંહે સફળતા મેળવી છે.

મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર હરનેક સિંહ માટે દીકરા કુલદીપની સિવિલ સર્વિસમાં પસંદગી થતાં એ સપના જેવું છે. કુલદીપને જીવનના દરેક તબક્કે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. આજે તેણે પૂરા પરિવાર તથા ગામનું નામ રોશન કર્યું છે. કુલદીપે કહ્યું હતું કે તે આઠ ધોરણ સરકારી સ્કૂલમાં ભણ્યો હતો, પરંતુ આર્થિક તંગીને કારણે 12 ધોરણ સુધી પિતાની સાથે મજૂરી કરી અને પછી ઘરે બેસીને જ અભ્યાસ કર્યો. કુલદીપ પંજાબ સ્થિત ફરીદકોટના કોટકપૂરામાં સામાન્ય પરિવારનો છે. દીકરાની પસંદગી જ્યારે થઈ ત્યારે પિતા મિસ્ત્રી કામે ગયા હતા.

પહેલા મજૂરી અને પછી ટ્યૂશન ફીથી અભ્યાસનો ખર્ચ કાઢ્યોઃ કુલદીપના મતે જીવનમાં સફળતા મેળવવા માટે મક્કમ મનોબળ, આત્મવિશ્વાસ, મોટિવેશન બહુ જ જરૂરી છે. 2013-16 સુધી તેણે પંજાબ યુનિવર્સિટીની લોની ડિગ્રી મેળવી હતી. તેણે વર્ષો સુધી પિતાની સાથે મજૂરી કરી છે. યુનિવર્સિટીમાં આવ્યા બાદ કુલદીપે બાળકોને ટ્યૂશન આપવાની શરૂઆત કરી હતી. તેણે વકીલના હેલ્પર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. કુલદીપે કહ્યું હતું કે તેણે ગરીબી જોઈ છે. 2017માં હિમાચલ તથા ચંદીગઢ સ્થિત પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં જરૂરિયાતમંદ લોકોના કેસ નજીવા રૂપિયા સાથે લડ્યા હતા.

પરિવારમાં પહેલી નોકરી અને તે પણ સીધા જજનીઃ કુલદીપને ત્રણ ભાઈ તથા બે બહેન છે. પરિવારમાં પહેલી જ વાર કોઈને સરકારી નોકરી મળી અને તે પણ સીધા જજની. કુલદીપની પસંદગી થઈ પછી ગામમાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કુલદીપ હંમેશાં એવરેજ સ્ટૂડન્ટ રહ્ય છે પરંતુ તેણે ત્રીજા પ્રયાસમાં પિતાનું સપનું પૂરું કર્યું છે. તેને પુસ્તકો વાંચવા તથા શાયરીનો શોખ છે. તે પોતાની સફળતાનું શ્રેય પરિવાર, મિત્રો તથા શિક્ષકોને આપે છે. કોલેજના દિવસોમાં દેહરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીમાં NCCના સ્પેશયિલ નેશનલ કેમ્પ માટે પણ પસંદગી થઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *