ઉત્તરાયણમાં પાંચ ગ્રહોનો દુલર્ભ યોગ બની રહ્યો છે, જાણો કઈ રાશિને થશે ફાયદો

Religion

અમદાવાદઃ ગ્રહોના રાજા સૂર્યનું 2021માં પહેલી જ વાર રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. સૂર્ય 14 જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષના મતે, રાશિઓ માટે મકર સંક્રાંતિ ખાસ રહેશે. આ દિવસે મકર રાશિમાં સૂર્ય સાથે ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ હોવાથી પંચગ્રહી યોગ રચાશે. સિંહ તથા ધન રાશિના જાતકોને ધનલાભ થશે. ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ રાશિને શું લાભ થશે.

મેષઃ સૂર્યનું રાશિ પરિવર્તન આ જાતકો માટે સારું રહેશે. કાર્યક્ષેત્રમાં ભરપૂર વૃદ્ધિ તથા સફળતા મળશે. આ સમયે સૂર્યની અન્ય 3 ગ્રોહની સાથે યુતિ છે અને તેને કારણે તમે દરેક કાર્ય કરવા માટે પૂરો સક્ષમ છો. નોકરિયાત વર્ગ જો નોકરી બદલવાનું વિચારે છે તો આ સમય તેમના માટે ઉત્તમ છે. આ સમયે સૂર્ય દેવ, શનિની સાથે યુતિ કરશે. આથી બની શકે કે તમારા પિતા તથા પિતા સમાન કોઈ વ્યક્તિ સાથે મતભેદો સર્જાઈ શકે છે.

વૃષભઃ જીવનમાં મધ્યમ પરંતુ મહત્વના પરિણામો મળશે. સૂર્યની સ્થિતિને કારણે તમારી માતાની તબિયત નરમ ગરમ રહી શકે છે જીવનસાથી કે પ્રેમી સાથે વિવાદની શક્યતા છે. પોતાની જાતને શાંત રાખીને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્ર સંબંધિત પ્રવાસ ફાયદાકારક સાબિત થશે. આર્થિક લાભ મળશે. આ ગોચરને કારણે ખર્ચા વધી શકે છે. બચત માટે તમે કોઈ યોજનામાં રોકાણ કરો.

મિથુનઃ સૂર્ય તમારા તૃતીય ભાવનો સ્વામી હોવાને કારણે તમારા અષ્ટમ ભાવમાં સૂર્યનું ગોચર છે. નોકરી-વેપારમાં સફળતા મેળવવા માટે પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધ કરશો. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ પર અંકુશ રાખજો. તમારો સ્વભાવ ચિડીયો બની શકે છે અને તમે અજાણતા જ સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડશો. પરિણીત જાતકોના સાસરિયા સાથે ઝઘડો થઈ શકે છે.

કર્કઃ સૂર્યનું આ ગોચર તમારા સપ્તમ ભાવમાં છે. તમારા જીવનમાં માનસિક તણાવ તથા મુશ્કેલીઓમાં વધારો થશે. લગ્નની વાતચીતમાં ના સાંભળવી પડે. રિલેશનશિપ કે પછી લગ્નમાં વાતે વાતે ઝઘડો થાય તેવું બની સકે. તમારા ખર્ચામાં વધારો થશે. વ્યવસાય સાે જોડાયેલા પ્રવાસમાં જવું પડી શકશે. પરિવારમાં કોઈ વ્યક્તિ કાનૂની વિવાદમાં ફસાઈને પૈસા બરબાદ કરશે. જોકે, કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની તક છે.

સિંહઃ સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને આ પરિવર્તન તમારા ષષ્ઠમ ભાવમાં થઈ રહ્યું છે. સૂર્યના ગોચરની આ સ્થિતિ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સાબિત થશે. ધન યોગ છે. ખાસ કરીને સરકારી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને સારું ફળ મળશે. જે જાતકોને નોકરી બદલવી છે, તેમના માટે આ ઉત્તમ સમય છે. વર્તમાન સમયમાં જે જાતકો નોકરી કરે છે, તેમાં વધુ મહેનત કરશે તો પરિણામ સારું મળશે.વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને પણ લાભ થશે. તમે આ સમયમાં પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરશો.

કન્યાઃ સૂર્યનું ગોચર પંચમ ભાવમાં થશે. આ દરમિયાન કન્યા રાશિના જાતકોને અશુભ ફળ મળી શકે છે. તમારે આ સમયે યાત્રા કરવી નહીં. તણાવ તથા થાકની સાથે સાથે આર્થિક નુકસાન પણ થશે. નોકરીની સુરક્ષા તથા ભવિષ્યની ચિંતાને કારણે સ્ટ્રેસમાં વધારો થશે. સંતાનની તબિયત લથડતાં મુશ્કેલીમાં વધારો થશે. જીવનસાથીને અચાનક લાભ કે અવોર્ડ મળવાની સંભાવના છે.

તુલાઃ  સૂર્યની તમારી રાશિના ચતુર્થ ભાવમાં વિરાજમાન થશે. આ સમયે સૂર્ય ઘણો જ પીડિત અવસ્થામાં છે અને જેને કારણે તમારી માતાના સ્વાસ્થ્યને હાનિ થવાની શક્યતા છે. જોકે, આર્થિક રીતે આ સમય સારો રહેશે. ઘરમાં મહેમાનોની અવરજવર ચાલુ રહેશે. કેટલાંક જાતકો જમીનની ખરીદી-વેચાણ કરી શકશે. તમારા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.

વૃશ્ચિકઃ આ સમયમાં સૂર્ય તમારા તૃતીય ભાવમાં રહેશે. ભાગ્યનો સાથ મળશે અને તમારા દરેક પ્રયાસમાં સફળતા મળશે. જૂના સંપર્કોથી લાભ થશે. તમારા શત્રુઓ ફરી એકવાર તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે પરંતુ તમારા સતર્કતાને કારણે તેમની દરેક ચાલને ઊંધી પાડશો. લાંબી યાત્રાને બદલે ટૂંકા પ્રવાસ કરશો. આસપાસના લોકોનો પૂરતો સહયોગ મળશે.

ધનઃ સૂર્ય તમારા દ્વિતીય ભાવમાં બિરાજશે. તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. તમારી રાશિમાં ધન યોગનું નિર્માણ થશે. આ સમયે સૂર્ય-શનિની યુતિ પણ છે, જે તમારા ખર્ચમાં વધારો કરશે. ટૂંકાગાળાના રોકાણ કરો.

મકરઃ સૂર્ય તમારી જ રાશિમાં પ્રવેશ કરશે. સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલાંક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કેટલાંક જાતકો નોકરી બદલવાનો નિર્ણય લઈ શકે છે. વ્યવસાયિક જાતકો માટે આ સમય શુભ છે. અચાનક લાભ તથા નફો મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય છે.

કુંભઃ આ ગોચર દરમિયાન સૂર્ય તમારા દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે. આ ખર્ચનો ભાવ છે. આ સમયે તમારે તથા તમારા સાથીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારી જાતકોએ નવું રોકાણ કરવું નહીં. ધન હાનિના યોગ છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ ના કરો. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સમય છે.

મીનઃ સૂર્યનું ગોચર તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે. આ સફળતા તથા નફાનો ભાવ છે. શુભ ફળની પ્રાપ્તિ થશે. તમારા અધૂરા કાર્યો ઝડપથી પૂરા થશે. કાર્યક્ષેત્રમાં લક્ષ્ય પ્રાપ્તિને કારણે વખાણ તથા પ્રમોશનના યોગ છે. આવકમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *