ભારતમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણાં લોકો ગાય પ્રત્યે નિશ્ચલ પ્રેમ ધરાવે છે. આવા જ એક ગૌપ્રેમીએ એક અનોખી મિસાલ રજૂ કરી છે. તેણે ગાયના માધ્યમથી દહેજ જેવી કુપ્રથાથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ ઘટના 2019ની કોટાની છે.
રાજસ્થાનના કોટામાં વરરાજાએ દહેજમાં રૂપિયા-પૈસા નહીં, કાર કે જ્વેલરી નહીં, પરંતુ દહેજમાં બસ ગાય (વાછરડી) માગી હતી. કોટાના વિવેક ગૌતમના લગ્ન નક્કી થયા ત્યારે તેણે સાસરીયા સમક્ષ દહેજમાં ગાયની ડિમાન્ડ કરી હતી.
આ સાંભળીને છોકરી પક્ષ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. જોકે, જ્યારે તેમને બધી જ વાતની ખબર પડી તો તેઓ ખુશ થઈ ગયા હતા. મફતમાં ગાયની સારવાર કરે છેઃ વિવેકને નાનપણથી ગાય પ્રત્યે પ્રેમ છે. મોટા થતાં તેણે નિઃસ્વાર્થ ભાવથી ગાયની સેવા કરવાનું શરૂ કર્યું હતું.
શહેરની બીમાર તથા રસ્તા પર પડેલી ઘાયલ ગાયની જવાબદારી વિવેકે ઉઠાવી છે. વિવેકે ગાયની ડિમાન્ડ એટલા માટે કરી હતી, કારણ કે તે સેવા કરી શકે. વિવેકે ગાય માગીને માત્ર પોતાના પ્રેમ જ વ્યક્ત નથી કર્યો, પરંતુ દહેજ જેવી કુપ્રથા વિરુદ્ધ સંદેશો પણ આપ્યો છે.