નર્મદા કિનારે આવેલું છે ગુજરાતનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર, આવો છે મંદિરનો અફલાતુન નજારો

Feature Right Gujarat

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાથી બચવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે ઘણાં સમય પછી છૂટછાટ આપવામાં આવી છે તેમાં મંદિરોને પણ ખોલવાની છૂટ મળી છે જોકે કોરોનાના ડરને કારણે પહેલા કરતાં ઓછા લોકો હવે મંદિરોમાં જઈ રહ્યાં છે. ત્યારે અમે ગુજરાતના ઘણાં મંદિરો વિશે વાત કરી રહ્યાં છીએ ત્યારે વડોદરા અને રાજપીપળાની નજીક આવેલ પોઈચા ગામમાં નીલકંઠ ધામ આવેલું છે જે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રખ્યાત છે. આ મંદિરની એકવાર મુલાકાત લેશો તો પેલેસમાં ફરી રહ્યાં છો તેવો અનુભવ થશે. હજારોની સંખ્યામાં લોકો આ મંદિરની મુલાકાત લેતાં હતાં જોકે હાલ કોરોનાની મહામારીને કારણે સંખ્યામાં ઘટાડો થયો છે.

પોઈચા મંદિરની ઈમારતો, મંદિરની બાજુમાં વહેતી નર્મદા લહેર અને ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાઓને કારણે પણ આ મંદિર ટૂરિસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણ ધરાવે છે. આ મંદિર પરિસરમાં કુલ 108 ગૌમુખ છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે. મંદિરની ખાસિયત અહીંની સાંજની આરતી છે. જ્યારે આખા મંદિર પરિસરને શણગારવામાં આવે છે. મંદિરમાં 1100થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાતમાં ઘણાં મંદિરો ફેમસ છે પરંતુ પોઈચા ગામમાં આવેલું નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ટૂરિસ્ટોમાં બહુ જ જાણીતું છું. ખુણે ખુણેથી આ મંદિરના દર્શન કરવા લોકો આવતાં હોય છે. આ મંદિર ભરૂચથી 80 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. નર્મદા નદી કિનારે બનેલું આ નિલકંઠ ધામ લગભગ 105 એકરમાં ફેલાયેલું છે.

આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું પરિસર પણ આકર્ષક છે. તેમાં ભગવાન ગણેશ, શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

અહીં મંદિરની ઈમારતની વચ્ચે સરોવર બનાવવામાં આવેલું છે. આ સાથે જ અહીં અનેક નાના મંદિરો પણ છે. આ કારણે શ્રદ્ધાળુઓ અહીં અવાર નવાર આવવાનું અને દર્શનનો લાભ લેવાનું પણ પસંદ કરી રહ્યા છે.

મંદિરનું પરિસર કોઈ મહેલ જેવું તૈયાર કરાયું છે. મંદિરની નીચેની તરફ વહેતી નર્મદા નદીમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ સવારથી ભેગી થાય છે. અંધારું થાય ત્યારે મંદિરને અલગ જ પ્રકારની લાઈટિંગથી સજાવવામાં આવે છે. આ સજાવટ અને લાઈટિંગથી મંદિરની સુંદરતા ઘણી વધી જાય છે. રાતે અહીં લાઈટ શોનો કાર્યક્રમ પણ યોજાય છે.

આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.

મંદિરની તસવીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *