રાજ્યપક્ષી સુરખાબની કચ્છમાં બહુમતી, 70 જળાશયોમાં 96 પ્રજાતિના 66146 પક્ષીઓ મહેમાન

Gujarat

કચ્છમાં પ્રથમ વખત ખાસ સુરખાબ માટે આયોજિત પક્ષી વસ્તીગણતરીમાં 4.19 લાખ રાજ્યપક્ષી સુરખાબ નોંધાયા હતા,જેમાં 3.63 લાખ જેટલા બચ્ચા હતા.જે સીધું સાબિત કરે છે કે,સારા વરસાદ થકી ચાલુ શિયાળાનું સુરખાબની પ્રજાતિનું પ્રજનન સફળ થયું છે અને નોંધપાત્ર સંખ્યામાં છે. કચ્છમાં સુરખાબના વિવિધ નિવાસસ્થાનો પૂર્વ કચ્છમાં મોટા રણ,પશ્ચિમ કચ્છમાં જળાશય અને બન્નીના ઘાસિયા મેદાનમાં આ વસ્તીગણતરી યોજાઈ હતી.જેમાં ખાસ કરીને સુરખાબની બે પ્રજાતિ મોટો હંજ અને નાનો હંજ નોંધાયા હતા.સૌથી વધુ સંખ્યામાં મોટા હંજના 182866 બચ્ચા જોવા મળ્યા હતા. જેમાં પૂર્વ કચ્છમાં એટલે મોટા રણમાં 180872 અને પશ્ચિમ કચ્છમાં 1994 નોંધાયા હતા.ગ્રેટર ફ્લેમિંગો એટલે મોટો હંજ 36344 નોંધાયા હતા.

જે પૂર્વ વનવિભાગના વિસ્તારમાં 26942 તો પશ્ચિમ વનવિભાગમાં 9402 જેટલી હાજરી હતી.લેસર ફ્લેમિંગો જે નાના હંજથી ઓળખાય છે.તે કુલ 18390 નોંધાયા હતા.જેના બચ્ચાની સંખ્યા કુલ 98095 હતી.જે પૂર્વ કચ્છમાં 97750,પશ્ચિમમાં 75 સાથે બન્નીના ઘાસિયા મેદાનમાં 270 હતી. આ સાથે બચ્ચા જેની ઓળખ નાનો કે મોટા હંજ છે એ તેની ઉંમરના અને દેખાવથી નથી થઇ શકી તે સંખ્યા 83010 છે.આમ કુલ મળીને 4,19,628 સુરખાબ કચ્છમાં નોંધાયા હતા.આ પ્રકારનું રાજ્યપક્ષીનું ખાસ સેન્સસ કચ્છમાં પ્રથમ વખત વનવિભાગે કર્યું હતું.સમગ્ર આયોજન સીસીએફ અનિતા કર્ણની આગેવાનીમાં નોડલ ઓફિસર પૂર્વ કચ્છના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના માર્ગદર્શન હેઠળ પક્ષીનીરીક્ષકો,વનવિભાગના ત્રણેય ડિવિઝનનો સ્ટાફ,અધિકારીઓ સહભાગી બન્યા હતા.

આ સાથોસાથ કચ્છ જિલ્લાના વિવિધ 70 જેટલા જલપ્લાવિત વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે આ વસ્તી ગણતરી કરવામાં આવી હતી.જેમાં 96 વિવિધ પ્રજાતિઓના 66146 પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા હોવાનો આંકડો સામે આવ્યો છે.જેમાં સૌથી વધુ બતકની પ્રજાતિ ભગતડું 36296 જેટલી મોટી સંખ્યામાં નોંધાયા છે.અન્ય બતકની પ્રજાતિ 17795,પેલીકન 354,નાની ડૂબકી 180,મોટો કાજિયો 229, નાનો કાજિયો 250,પીળી ચાંચ ઢોંક 187,ચમચા 83,નાની સિસોટી બતક 136,ટીલીયાળી બતક 302,ગયણો 602,2433 કુંજ,289 ટીટોડી,236 મોટો ગડેરો,357 ગજપાંવ,700 મોટો ધોમડો અને 645 જેટલી રફ નોંધપાત્ર સંખ્યામાં દેખાઈ હતી.

આ આંકડો ખરેખર કચ્છના પક્ષીજગત માટે આનંદદાયી છે.આ સાથે જ કચ્છની ક્રીક અને નાના મોટા જળાશયોમાં પણ ગ્રેટર અને લેસર ફ્લેમિંગો કાયમ માટે વસી ગયા છે,જેના પર વનવિભાગ અને દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ સંશોધન સાથે મોનીટરીંગ ગત વર્ષથી રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *