ગુજરાતનો કિસ્સો, 77 વર્ષિય પતિના નિધનના કલાકોમાં 75 વર્ષિય પત્નીનો પણ દેહત્યાગ

Gujarat

‘સાથ જીયેગે, સાથ મરેગે’ ફિલ્મી ગીત ઘણી વખત સાંભળવા મળે છે પરંતુ ગરબાડા તાલુકાના ગાંગરડીમાં 52 વર્ષનું દાંપત્ય જીવન એક સાથે જીવનાર દંપતિએ આ ગીતની કડીને સાર્થક કરી હતી. પતિના નિધન બાદ માત્ર પાંચ જ કલાકમાં પત્નીએ પણ શ્વાશ છોડી દેતાં બંનેની અંતિમ યાત્રા તો એક સાથે કાઢવામાં આવી અને તેમનો અગ્નિદાહ પણ એક જ ચિતા ઉપર કરાયો હતો.


ગાંગરડી ગામમાં રહેતા 77 વર્ષિય મનુભાઇ રૂપાભાઇ પંચાલ અને 75 વર્ષિય ભાનુબેન પંચાલે એક સાથે દાંપત્ય જીવનના 52 વર્ષ રાજીખુશીથી કાઢી નાખ્યા હતાં. વયને કારણે બંનેને શ્વાશની તકલીફ રહેતી હતી.થોડા દિવસો પહેલાં મનુભાઇને શ્વાશની તકલીફ માટે જ માત્ર બતાવવા લઇ જવાતાં તેઓને ત્યાં દવાખાને દાખલ કરી લેવાયા હતાં. જ્યારે ભાનુબેનની પણ તબિયત ખરાબ થતાં તેમને દાહોદના દવાખાને દાખલ કરાયા હતાં. ગત રાત્રે એક વાગ્યે મનુભાઇનું નિધન થઇ ગયું હતું.


આ ઘટનાની જાણ ભાનુબેનને કરાઇ ન હતી પરંતુ તેમને તબીબે રજા આપી દીધી હોવાનું કહીને ઘરે લઇ જવાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં પાંચ વાગ્યાના અરસામાં તેમનું પણ નિધન થઇ જતાં એક સાથે બે વડિલ ગુમાવતાં પરિવાર ઉપર દુખનો પહાડ તુટી પડ્યો હતો.


દંપતિનું એક સાથે નિધન થવાની ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. લયલા મજનુ, સોની મહિવાલના પ્રેમને યાદ કરાયો હતો. પરિવાર દ્વારા દંપતિની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી. બંનેનું સાથે નિધન થયુ હોવાથી તેમને એક જ ચિતા પર અગ્નિદાહ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *