અકસ્માતમાં બચી ગયેલી ત્રણ દીકરીઓ માટે દાનનો ધોધ વહ્યો, 5 લાખ રૂપિયા આપ્યા

Gujarat

ગોંડલ નજીક અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરતના બે પરિવારની બચી ગયેલી ત્રણ દીકરીઓની મદદ માટે સુરતના અનેક સમાજ આગળ આવ્યા છે. કામરેજના પૂર્વ ધારાસભ્ય દ્વારા નોધારી બનેલી દીકરીઓને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. જેને પગલે 12 કલાકમાં જ 5 લાખ રૂપિયા દીકરીઓના ખાતામાં જમા થઈ ગયા છે. સાથે સાથે કેટલાક દાતાઓ 50-60 હજારની રોકડ રકમ ઘરે આપી ગયા છે.

ઘટના શું હતી?
સુરતના કઠોદરાના સોમેશ્વર વિલામાં રહેતો મૂળ મૂંજિયાસરનો ગઢિયા પરિવાર ગત 23 નવેમ્બરના રોજ અમરેલીનાં ધારી ખાતે લગ્નપ્રસંગમાં જતો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ-ગોંડલ હાઇવે પર બિલિયાળા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી સામે તરફથી આવતી એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર 12 વર્ષીય બાળક સહિત 6નાં મોત થયા હતા. કારમાં સવાર 7 સભ્યો પૈકી માત્ર 8 વર્ષીય બાળકીનો બચાવ થયો હતો.

12 વર્ષીય બાળક સહિત 6નાં મોત થયા હતા
મૂળ બગસરા પાસેના મૂંજિયાસરના વતની અશ્વિન ગોવિંદભાઇ ગઢિયા (38), પત્ની સોનલબેન (38), પુત્ર ધર્મિલ (12), માતા શારદાબેન (56), બનેવી પ્રફુલ બાંભરોલિયા, બહેન ભાનુબેન અને ભાણેજ દ્રષ્ટિ (8)કારમાં અમરેલીના ધારીમાં માસીના દીકરીના લગ્નમાં જવા ગત મંગળવારે સવારે નીકળ્યા હતા. સાંજે ખોડલધામના દર્શન કરી મૂંજિયાસર જઈ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાતા અશ્વિનભાઈ, સોનલબેન, ધર્મિલ, શારદાબેન, પ્રફુલભાઈ અને ભાનુબેનનું મોત થયું હતું. જ્યારે દ્રષ્ટિ નામની બાળકીનો બચાવ થયો હતો.

એક પરિવારના ચાર અને એક પરિવારના બે સભ્યોના મોત
ગઢીયા અને બાંભરોલિયા પરીવારના છ સભ્યો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જેમાં બાંભરોલિયા પ્રફુલભાઇ હરિભાઈના પરીવારમાં ફક્ત બે દીકરી છે. બંસરી (ઉંમર 17 વર્ષ) અને જેની (ઉંમર 6 વર્ષ) તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયાના પરિવારમાં ચાર સભ્યો ગુમાવ્યા હતા. જેમાં ફક્ત એક જ દીકરી દ્રષ્ટિ (ઉંમર 8 વર્ષ)નો બચાવ થયો છે. હાલ આ ત્રણેય દીકરી (બંસરી, જેની, દ્રષ્ટિ) સાવ નિરાધાર થઈ છે.

એક દાતાએ નાની દીકરીના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડ્યો
પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, એક દાતાએ તો અભ્યાસ કરતી નાની દીકરીને ડોક્ટર, ઈજનેર સુધીના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. જ્યારે સુરતના આશાદીપ ગ્રુપ દ્વારા ત્રણેય દીકરીઓના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. બસ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન ત્રણેય દીકરીઓનો દુઃખ સહન કરવાનાઈ શક્તિ આપે, સમાજ એમની સાથે છે.

મદદના વિચાર બાદ અપીલ કરતા દાનનો ધોધ વહ્યો
વધુમાં જણાવ્યું હતું કે, કાલે સવારે આવેલા આ વિચાર બાદ મિત્રો મનસુખભાઇ, હિતેશ લાઠીયા, મહેશ પટેલ વચ્ચે વિચાર મુક્ત તેઓ તાત્કાલિક સમર્થનમાં આવી ગયા હતા. દોડીને ત્રણેય દીકરીઓના નામનું એક બેક ખાતું ખોલાવ્યું અને આજુબાજુના મિત્રોની મદદથી સહાય માટે અપીલ કરી તો સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં જ 5 લાખ બેંકમાં જમા થઈ ગયા હતા.

ત્રણેય દીકરીઓને 11-11 લાખની ફિક્સ ડિપોઝીટ કરાવવાની આશા
વધુમાં જણાવ્યું હતું કે, દાતાઓની નગરી તરીકે ઓળખાતા સુરતમાં એક અપેક્ષા એવી રાખીએ છીએ કે, રાજ્ય સરકાર 4 લાખની સહાય કરશે પણ ત્રણેય દીકરીઓના નામ પર 11-11 લાખની ફિક્સ ડિપોઝીટની રસીદ થઈ જાય અને એમને આપીને સેવાના કાર્યને પૂર્ણ કરીએ એવી જ આશા છે. જેથી તમામ દાતાઓને સહાય કરવા અપીલ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *