ભોપાલઃ પ્રવાસી મજૂરોની ગૃહ રાજ્યોમાં પરત ફરવા માટે અનેક તસવીરો હાલ સામે આવતી રહી છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મજૂરોને ટ્રાન્સપોર્ટનું કોઇ સાધન ના મળવાને કારણે હજારો કિમી પગપાળા જ ચાલતા દેખાઇ રહ્યાં છે. એવામાં મધ્યપ્રદેશના દારૂના એક મોટા વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી લાવવા માટે બુધવારે 180 સીટર વિમાન (એરબસ A320) હાયર કર્યું. ચાર મુસાફરમાં દારૂના વેપારીની પુત્રી, તેના બે બાળકો અને બાળકોની દેખરેખ કરનારી નૈની પણ સામેલ હતી.
દારૂના વેપારી જગદીશ અરોડા મધ્યપ્રદેશમાં સોમ ડિસ્ટિલરીઝના માલિક છે. જ્યારે તેમનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આવી કોઇ એરબસને હાયર કરવાની વાતને રદિયો આપ્યો. ત્યારબાદ લાઇન કાપ્યા પહેલા તેમણે કહ્યું કે તમે ખાનગી મેટરમાં કેમ દખલ આપી રહ્યાં છો.
વિમાનને દિલ્હીથી હાયર કરવામાં આવ્યું હતું. વિમાને સવારે 9.30 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી અને અંદાજે 10.30 વાગ્યે ભોપાલ પહોંચ્યું હતું. ત્યારબાદ ભોપાલથી ચાર મુસાફરો સાથે અંદાજે 11.30 વાગ્યે વિમાન દિલ્હી માટે ઉડાન ભરી.
ઉડ્ડયન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છ અને આઠ સીટર ચાર્ટર્ડ વિમાન જેવા અનેક અન્ય વિકલ્પ ઉપલબ્ધ હતા પરંતુ દારૂના વેપારીએ એરબસની જ પસંદગી કરી. સૂત્રએ કહ્યું કે જેમની પાસે પૈસા છે તેઓ અન્ય મુસાફરોની સાથે યાત્રા કરવા માગતા નથી
કારણ કે જોખમ વધુ છે. પરંતુ છ અથવા આઠ સીટર ચાર્ટર્ડ વિમાનથી પણ વેપારી પોતાની પુત્રીને લાવી શક્યો હોત. એ320 એરબસને ભાડા પર લેવાનું એવિએશન ટરબાઇન ઇધણના ખર્ચ પર નિર્ભર કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ખર્ચ 5થી છ લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે આવે છે. ઇન્ટરનેશનલ પરિસ્થિતિઓના કારણે હાલના કેટલાક મહિનામાં ટરબાઇન ઇંધણના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક ઇનસાઇડરના જણાવ્યા પ્રમાણે વેપારી તરફથી ભોપાલથી ચાર લોકોને દિલ્હી લાવવા માટે 25થી 30 લાખ રૂપિયા વચ્ચે ખર્ચ કર્યો હોવાની સંભાવના છે.