સેવાભાવી લોકો અનેક રીતે જરૂરિયાતમંદોની સેવા કરતા હોય છે. પણ ઘણા બુદ્ધિશાળી લોકો પોતાના વ્યવસાય થકી જ આ પ્રકારની સેવા પૂરી પાડતા હોય છે. આજે વાત કરીએ એક એવા યુવાનની જેને પોતાની નોકરી છોડી એક નાનો વ્યવસાય શરૂ કર્યો અને આ વ્યવસાય થકી જ જરૂરિયાત મંદોને સેવા પૂરી પાડે છે.
ભુજના ધવલ પારેખે પોતાની 11 વર્ષની માર્કેટિંગ નોકરી છોડી ભુજના જ ધમધમતા હોસ્પિટલ રોડ પર છોલે ભટુરેની ગાડી શરૂ કરી છે. શરૂઆતથી જ કંઈક નવું કરવા ઇચ્છતા ધવલભાઈએ પોતાની ગાડી પર આવતા ગ્રાહકો માટે પે ફ્રોમ યોર હાર્ટ પ્રકારની ચુકવણીની રીત શરૂ કરી.
ગ્રાહકોને જેટલું મન ફાવે તેટલું ખાય અને જેટલું મનફાવે તેટલા ચુકવે તેવી વ્યવસ્થા ધવલભાઇએ શરૂ કરી છે. અમદાવાદના રિક્ષા ચાલક પાસેથી આ આઈડિયા મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અંગે ધવલભાઇ કહે છે કે જે લોકો આપી શકે છે તેઓ સારું જ આપીને જાય છે અને જે લોકો એટલા સક્ષમ નથી તેમના ભાગનું પણ પૂરું પડી જાય છે.
લોકોને મન ફાવે તેટલું ચૂકવવાના આ માર્કેટિંગ કોન્સેપ્ટથી હાલ રસિયાઓ લ્હાવો માણે છે અને ભૂખ્યાઓનું પેટ ભરાય છે.