મોંઘવારીના આ સમયમાં લોકો પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવામાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતાં ખચકાતા નથી. શો-ઓફ કરવામાં પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે. જોકે, આવા લોકોની વચ્ચે પણ એવા કેટલાંક લોકો છે, જેઓ એકદમ સાદગીથી લગ્ન કરીને બીજા માટે ઉદાહરણરૂપ બન્યા છે.આવો જ કિસ્સો સામે આવ્યો છે. સેનાના મેજર તથા સિટી મેજિસ્ટ્રેટ જજે કોઈ પણ જાતના ભપકા વગર સાદગીથી લગ્ન કર્યા હતા.
ના બેન્ડ બાજા ના જાનઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા શિવાંગી જોષીએ પોતાના જ શહેરમાં રહેતા મેજર અનિકેત ચતુર્વેદી સાથે કોર્ટ મેરેજ કર્યાં હતાં. સાદગી પૂર્ણ લગ્નને કારણે ચારેબાજુ આ કપલની ચર્ચા થઈ રહી છે. બંને પરિવારની પરવાનગી બાદ સમાજને સંદેશો આપવા માટે સોમવાર, 12 જુલાઈના રોજ જિલ્લા કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં ના બેન્ડ બાજા હતા કે ના જાન હતી. બંનેએ જજની સામે જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
બે વર્ષથી લગ્ન થઈ શક્યા નહોતાઃ ઉલ્લેખનીય છે કે અનિકેત હાલમાં લદ્દાખમાં છે. શિવાંગી મધ્ય પ્રદેશના ધાર સિટીમાં મેજિસ્ટ્રેટ પદ પર છે. બે વર્ષ પહેલાં બંનેના લગ્ન ફિક્સ થયા હતા.
જોકે, કોરોનાને કારણે લગ્ન થઈ શક્યા નહોતા. શિવાંગીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં લગ્ન કરવાને બદલે બંનેએ યૌદ્ધા તરીકે કામ કરવાનું જરૂરી સમજ્યું હતું. આથી જ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયમાં તેમણે પોતાના ઘણાં લોકોને ગુમાવ્યા હતા.
દુલ્હનની એક જ અપીલઃ શિવાંગીએ કહ્યું હતું કે મોંઘવારીને કારણે તેઓ સમાજને એક સંદેશો આપવા માગતા હતા કે લગ્નમાં કરોડોનો ખર્ચ કરવાને બદલે સાદગીથી લગ્ન કરવા જરૂરી છે. મંદિર કે કોર્ટમાં લગ્ન કરવા જોઈએ. જો તમારી પાસે પૈસા વધારે હોય તો બીજાની મદદ કરો.
લગ્નમાં કારણ વગરના પૈસા બરબાદ કરવાને બદલે તેણે સારા કાર્યોમાં વાપરવા જોઈએ. લગ્નમાં પૈસાનો વેડફાટનો બોજ દુલ્હનના પરિવાર પર જ આવે છે. આ સાથે જ લગ્ન માત્રને માત્ર પરિવારની હાજરીમાં જ કરવા જોઈએ, કારણ કે હજી પણ કોરોના છે.