પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિનામાં અનુષ્કા શર્માની હાલત થઈ હતી ખરાબ, માત્ર આ બે જ વસ્તુઓ ખાતી

Bollywood

મુંબઈઃ અનુષ્કા શર્મા જાન્યુઆરી મહિનામાં ગમે ત્યારે પ્રથમ બાળકને જન્મ આપશે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સી જર્ની અંગે વાત કરી હતી. તેણે 2020માં પ્રેગ્નન્સીનો અનુભવ અન્ય મહિલાઓ કરતાં કઈ રીતે અલગ રહ્યો તે પણ કહ્યું હતું. તેની પાછળું કારણ કોવિડ 19 છે.

વાસને કારણે બહુ જ હેરાન થઈઃ પ્રેગ્નન્સીમાં મહિલાઓને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. અનુષ્કાએ કહ્યું હતું કે તેને પ્રથમ ત્રણ મહિના ઘણાં જ મુશ્કેલીથી પસાર કર્યાં હતાં. તેને કોઈ પણ જાતની વાસ આવે તો તેને ઉબકા આવતા હતા. તેને હંમેશાં થાક લાગતો હતો. રસોડાની વાસને કારણે તે રસોડામાં અંદર પણ જઈ શકતી નહોતી. જે પણ વસ્તુમાંથી વધુ પડતી વાસ આવે તો તે તેની નિકટ જઈ શકતી નહોતી.

સૌ પહેલાં બાળક અંગે વિચાર આવે છેઃ અનુષ્કાએ વધુમાં કહ્યું હતું કે આજકાલ તેને ગમે તે વસ્તુઓમાંથી વાસ આવવા લાગે છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે પ્રેગ્નન્સીમાં તે આ હદે થાકી જશે. સામાન્ય રીતે તે બહુ જ એક્ટિવ રહે છે. જોકે, તેને આ સમયે જ્યારે કોઈ તકલીફ થાય કે દુખાવો થાય તો તેને સૌ પહેલાં વિચાર આવે છે કે તેનું બાળક ઠીક છે કે નહીં. તે પોતાના કરતાં હંમેશાં બાળક વિશે પહેલાં વિચારે છે.

ફૂડ ક્રેવિંગઃ અનુષ્કાએ કહ્યું હતું કે તેને અન્ય પ્રેગ્નન્ટ મહિલાઓની જેમ ખાવાની કોઈ ખાસ ઈચ્છા થતી નહોતી. પ્રેગ્નન્સીના પહેલાં ત્રણ મહિના તે ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. પછી તે વડાપાઉં, ભેળ ખાવાની શરૂઆત કરી હતી. આ પણ લાંબો સમય ચાલ્યું નહીં.

પ્રેગ્નન્સીમાં પણ કર્યાં યોગઃ અનુષ્કાએ પ્રેગ્નન્સીમાં પણ યોગ તથા વર્કઆઉટ કરવાનું બંધ કર્યું નહોતું. અનુષ્કાએ પોતાના કમિટમેન્ટ પૂરા કર્યાં હતાં. તેણે શીર્ષાસન કરતી તસવીર પણ શૅર કરી હતી. અનુષ્કા શર્મા મે મહિનામાં કામ પર પરત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *