અમદાવાદનો પરિવાર હચમચી ગયો, પનીરના શાકમાંથી ઉંદર નીકળ્યો, બે લોકોની હાલત ખરાબ થઈ ગઈ

Gujarat

અમદાવાદ શહેરમાં આવેલી અનેક રેસ્ટોરાંમાં સફાઈ અને ગંદકીના અભાવે અમદાવાદીઓને બિનઆરોગ્યપ્રદ ખાવાનું મળે છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી હિના રેસ્ટોરાંમાંથી લાવેલા પનીર ભુર્જીના શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. શાક ખાતાં નવા વાડજ વિસ્તારમાં રહેતા પરિવારને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. હાલમાં પરિવારે આ મામલે આરોગ્ય વિભાગમાં રેસ્ટોરાં સામે ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


રાત્રે પરિવાર પનીર ભુર્જી જમ્યો હતો
ભોગ બનેલા પરિવાર એવા નવાવાડજ વિસ્તારમાં રહેતા બાબુલાલ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પુત્ર પાર્થિવ દિલ્હી દરવાજાની સબજી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરાંમાંથી પનીર ભુર્જીનું શાક લાવ્યો હતો. પરિવારના સભ્યોએ રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા અને આ શાક ખાધું હતું.


બાબુલાલે વધુમાં જણાવ્યું હતું કે મેં અને મારા બીજા પુત્રએ ઓછું ખાધું હતું, પરંતુ મારા બીજા પુત્ર પાર્થિવ અને પત્ની ગૌરીબહેન જમવા બેઠાં હતાં. એ દરમિયાન પનીર ભુર્જીની સબજીમાં કંઇક દેખાયું હતું, એ બાદ જોયું તો પહેલા શિમલા મિર્ચ હોવાનું જણાયું હતું. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતું તો એ મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને મારી પત્ની અને દીકરો ગભરાઇ ગયાં હતાં. ગભરામણ થઇ હતી, ત્યાર બાદ ઊલટીઓ અને ફૂડ-પોઇઝનિંગ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરાં માલિક સામે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી છે. શહેરમાં આવેલી અનેક રેસ્ટોરાંમાં બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે, સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતા નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે આવી રેસ્ટોરાંમાં કેવું જમવાનું બને છે એની ચકાસણી કરતા નથી. એને કારણે અનેક હોટલ- રેસ્ટોરાંમાં બિનઆરોગ્યપ્રદ અને મરેલા જીવજીતું નીકળે છે. હિના રેસ્ટોરાં સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *