અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે હાથ પર બ્લેડના ચેકા લગાવી યુવતીને ઇમોશનલ બ્લેકમેલ કરી નગ્ન તસવીરો મંગાવ્યા હતા. બાદમાં બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું અને તે સમયે વીડિયો બનાવી ફરી બ્લેકમેઇલ કરી લગ્ન માટે ઘરેથી રૂ. 10 હજાર અને અસલ દસ્તાવેજો મંગાવી લીધા હતા. હિમાલયા મોલ ખાતે આવેલી હિમાલયા ઇન હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં થરાદ અને ત્યાંથી રાજસ્થાન લઇ જઈ કોર્ટ મેરેજ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. મુસ્લિમ વિધિ પ્રમાણે લગ્ન પણ કર્યા હતા. આ અંગે પરિવારની ભારે જહેમત બાદ ફરિયાદ લેવાતા ચર્ચાનો વિષય બન્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ધર્માંતરણની કલમો, આઇટી એક્ટ અને પોક્સો હેઠળ ગુનો નોંધી એસીપી એ ડિવિઝને તપાસ હાથ ધરી છે.
સગીર વયે વિદ્યાર્થિની ઈન્સ્ટા.થી યુવકના સંપર્કમાં આવી
નારણપુરા વિસ્તારમાં 18 વર્ષીય યુવતી તેના માતાપિતા સાથે રહે છે અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2019માં વિદ્યાર્થિની સગીર હતી, તે સમયે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પાલનપુરના રિયાઝ રફીક મેમણના સંપર્કમાં આવી હતી. તેને હિમાલયા મોલ ખાતે મળવા બોલાવી અને તેને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, તેના સંપર્કમાં રહી નગ્ન ફોટાગ્રાફ મંગાવ્યા હતા. યુવતીએ ફોટા ન મોકલતા રિયાઝે પોતાના હાથ પર બ્લેડના ચેકા લગાવી તેને ડરાવી હતી. જેથી યુવતી ડરી જતા આખરે નગ્ન ફોટા મોકલી આપ્યા હતા. આ ફોટાના આધારે રિયાઝ તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.
વસ્ત્રાપુરની હિમાલયા ઈન હોટલમાં દુષ્કર્મ આચર્યુ
દિવાળી દરમિયાન રિયાઝે યુવતીના પિતાની મિલકતની તપાસ કરી હતી અને લગ્ન કરવા માટે જણાવી રૂ. 10 લાખ મંગાવ્યા હતા. પૈસા લઈને નહી આવે તો ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં યુવતી પાસે અઢી લાખ લઈ ઘરેથી અસલ દસ્તાવેજ લઈ ભાગવા જણાવ્યું હતું. પરંતુ 10 હજાર અને દસ્તાવેજ સાથે યુવતી ભાગી હિમાલયા મોલ ખાતે આવી હતી. 11 ડિસેમ્બર 2021ના રોજ હિમાલયા મોલ ખાતે આવેલી હિમાલયા ઇન હોટેલમાં લઈ જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હતો.
રાજસ્થાનમાં કોર્ટ મેરેજ બાદમાં ધર્મ પરિવર્તન
યુવતીને બનાસકાંઠાના પાલનપુર ખાતેના દુધવા ગામે લઈ જઈ મિત્ર વિક્રમસિંહ રાજપૂતના ઘરે લઈ ગયો હતો. ત્યાંથી રાજસ્થાન કોર્ટમાં લઇ જઇ કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં મૌલવીને બોલાવી ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું. બાદમાં મુસ્લિમ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. ત્યાંથી દુધવા ખાતે યુવતીને પરત લાવ્યા હતો. આ સમયે યુવતીને ધમકી આપી હતી અને તેના માતા-પિતાને પણ મારી નાખવાની ધમકી આપી હતી.
યુવકના બીજા લગ્ન હોવાનું તપાસમાં બહાર આવ્યું
આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ધમકી, પોક્સો, આઇટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકની કલમો હેઠળ ગુનો નોંધી એસીપીએ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રિયાઝના લગ્ન થઈ ગયા છે તેમ છતાં તેણે આ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની શંકાસ્પદ ભૂમિકા
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક અઠવાડિયાથી આ કેસ પર તપાસ ચાલી રહી છે. તેમ છતાં આટલી મોડી ફરિયાદ લેતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. તેવામાં આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો કોન્સ્ટેબલની ભૂમિકા સ્પષ્ટ થાય તેમ છે.